Tag Archives: Gujarati language

હેપ્પી મધર્સ ડે…

“ હેપ્પી મધર્સ ડે…
આજે એ વ્યક્તિનો દિવસ છે જેનું કદાચ મારી જીંદગીમાં ખુબ મહત્વ છે, ઘણીવાર તે કોઈ બાબતે ના પાડે તો ગુસ્સો પણ આવે છે, પરંતુ આજે પણ વારંવાર તેના ખોળામાં માથું નાખીને ઊંઘવાની ઈચ્છા થાય છે કારણ કે તે એવી જગ્યા છે જ્યાં મગજ ગમે તેટલું ગરમ હોય ઠંડુ થઇ જાય છે… દિલ ગમે તેટલું નારાજ હોય, રાજી થઇ જાય છે… આંખ ગમે તેટલી રડતી હોય હોંઠ હંમેશા હસતા હોય છે… ”

::~ તેજશ પટેલ ~::

અન્નાનું આંદોલન અને સરકાર

અન્નાના આંદોલનના કારણે કોંગ્રેસ બરાબરની ભીંસમાં મુકાઈ છે. પહેલેથી જ કૌભાંડોમાં ઘેરાયેલી સરકાર આંદોલનના કારણે વધુ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. અન્નાને મળેલા પ્રચંડ જન સમર્થનને કારણે કેટલાય નેતાઓના સુર બદલાઈ ગયા છે. અન્નાના આંદોલનની હવા કાઢવાની વાતો કરતાં કે રામદેવ વાળી કરવાની વાતો કરતાં કોંગ્રેસીઓની હવા નીકળી ગઈ છે.

ð  આ આંદોલન વિષે કોંગ્રેસના કહેવા મુજબ માત્ર ૪/૫ જણા મળીને સરકારને બ્લેકમેલ કરવાની કોશિશ હતી, પરંતુ એ જો માત્ર ૪/૫ જણાનું આંદોલન હોત તો તેમને આટલું મોટું જન સમર્થન કઈ રીતે મળે?

ð  વળી કોંગ્રેસના કહેવા મુજબ અન્ના પોતે ભ્રષ્ટાચારી છે… તો અહીં સવાલ એ થાય કે જે પોતે ભ્રષ્ટાચારી હોય તે પોતાના [ભ્રષ્ટાચારીઓ] વિરુદ્ધ આંદોલન શા માટે કરે? પરંતુ હકીકતમાં જે લોકો પોતે ભ્રષ્ટાચારી છે તે જ જન લોકપાલનો વિરોધ કરે છે. અને જો અન્ના ભ્રષ્ટાચારી હોય તો સરકારે તેમની સાથે મળીને લોકપાલ બીલની રચના માટે સમિતિ તૈયાર કરી હતી?

ð  વળી કોંગ્રેસને લોકપાલ બિલ પાસ કરવા સમયની જરૂર પડે છે…પરંતુ જયારે સાંસદોના પગાર વધારવાની વાત આવી ત્યારે તો માત્ર એક જ દિવસમાં બિલ પાસ થઇ ગયું અને તે પણ બધા જ પક્ષોની સહમતી થી..? શું એ બિલ પાસ કરવા સમયની જરૂર નહોતી પડી? અહીં નોધનીય વાત એ છે કે ખુદ સરકારે જ ચોમાસું સત્રમાં બિલ પાસ કરવાની ખાત્રી આપી હતી.

ð  કોંગ્રેસના કેટલાક નેતાઓ ના કહેવા મુજબ કોઇપણ કાયદાની રચના કરવાનો અધિકાર માત્ર સંસદને જ છે અને તેમ ના કરવું તે સંસદનું અપમાન છે. પરંતુ પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે સંસદની રચના કોણે કરી? સંસદની રચના ભારતીય બંધારણ મુજબ થઇ છે, અને આ બંધારણ ભારતની જનતાને મંજુર છે તેમ માનીને જ લાગુ કરવામાં આવેલું અને તેમાં જનતાને સર્વોચ્ચ સ્થાને સ્વીકારવામાં આવી છે, એટલે સંસદની રચના પણ જનતા એ જ કરી કહેવાય. વળી સંસદમાં જે લોકો કાનુન બનાવે છે તે પણ પ્રજાના “રાજા” તરીકે નહી પરંતુ પ્રતિનિધિ તરીકે કાનુન બનાવે છે, મતલબ કે કાનુન બનાવવાનો મૂળ અધિકાર જનતાનો થયો અને પછી જનતાના પ્રતિનિધિઓનો, કારણકે પ્રતિનિધિઓને આ અધિકાર જનતાએ જ આપ્યો છે. આથી જો કોઈ કાયદો જનતાની બહુમતી સ્વીકારતી હોય તેને લાગુ કરવામાં સંસદ કે બંધારણનું કોઈ જ અપમાન થતું નથી પરંતુ ત્યારે જ લોકશાહીનો સાચો અર્થ સારે છે.

ð  વળી સરકારના કેટલાક લોકોના કહેવા મુજબ જન લોકપાલ બિલ  બનાવવામાં ૧૨૧ કરોડ લોકો સામેલ નથી આથી તેને જનતાના બિલ તરીકે ના કહી શકાય. અહીં મારું કહેવું એમ છે કે જયારે સંસદમાં બિલ બને છે ત્યારે  શું તેમાં દરેક લોકોનું સમર્થન હોય છે? શું સંસદમાં બિલ પાસ થાય ત્યારે બધા જ સાંસદોનું સમર્થન મળે છે?   જયારે ચુંટણી થાય છે ત્યારે પણ ૧૦૦% મતદાન નથી થતું તો ચુંટાયેલા સાંસદો પણ જન પ્રતિનિધિ કઈ રીતે કહી શકાય?

ð  સરકારના કહેવા મુજબ પ્રધાનમંત્રી ને લોકપાલની બહાર રાખવા જોઈએ કારણકે જો તેઓ લોક્પાલના અંદર હશે તો સ્વતંત્ર નિર્ણય નહી લઇ શકે..અહીં સહજ સવાલ થાય કે આમ પણ હાલના પ્રધાનમંત્રી કયો નિર્ણય સ્વંતંત્ર લે છે? વળી અગાઉ બોફોર્સ કાંડમાં પ્રધાનમંત્રી નું નામ આવ્યું હતું તેમ જ ભોપાલ ગેસ દુર્ઘટનાના આરોપીને ભગાડવામાં રાજીવ ગાંધીનું નામ લેવાય છે. હાલના પ્રધાનમંત્રીનું પણ વિવિધ કૌભાંડો પ્રત્યેનું વલણ જોતા વડાપ્રધાનને લોકપાલમાં સામેલ કરવામાં જ લોકહિત છે.

ð  અત્યાર સુધી યુવાઓને દેશના રાજકારણમાં આગળ આવવાની વાતો કરતાં અને દેશના વિકાસની વાતો કરતાં રાહુલ ગાંધીને આજે યુવાઓ પૂછી રહ્યા છે…” દેશકા યુવા યહાં હૈ, રાહુલ ગાંધી કહા હૈ? “  ૪૦ વર્ષની ઉમરે પણ પોતાને યુવા અને વડાપ્રધાન પદ માટે અયોગ્ય ગણાવતા રાહુલ ગાંધી ખરેખર વડાપ્રધાન બનવા કેટલા લાયક?

ð  કોંગ્રેસના મનીષ તિવારી જેવા નેતાઓ અન્ના હઝારેને ભ્રષ્ટાચારી જણાવતા હતા પરંતુ એ પોતે આ બોલવા કેટલા લાયક હતા? તેમના માટે શરદ પાવર, કપિલ સિબ્બલ, શીલા દિક્ષિત્ વગેરે જેવા નેતાઓ ભ્રષ્ટાચાર નથી કરતાં….

ð  રેલવેને લાલુએ નફો કરતી કરી તેવી વાતો ફેલાવનાર કોંગ્રેસે રેલ્વે બાદ “ ઐર ઇન્ડિયા “  પણ ખોટ ખાતી કરી….જયારે પ્રાઇવેટ ઉદ્દયન કંપનીઓ નફો કરે છે…..   કોંગ્રેસ એનો જવાબ કેમ નથી આપતી?

ð  મનમોહનસિંહ હંમેશા ભ્રષ્ટાચાર હટાવાની વાતો કરે છે પરંતુ એ.રાજા અને સુરેશ કલમાડીને બચાવવાનો પ્રયત્ન તેમણે જ કરેલો. તેમણે જ એ.રાજા અને સુરેશ કલમાડી એ કઈ ખોટું નથી કર્યું નથી તેવું નિવેદન કરેલું.

ð  ભ્રષ્ટાચારી યેદુરપ્પાનું રાજીનામું માંગનાર કોંગ્રેસ શીલા દિક્ષિતનો બચાવ કેમ કરે છે?

ð  સોનિયા ગાંધી અને નહેરુ પરિવાર પ્રત્યેની કોંગ્રેસીઓની લાગણી શું દર્શાવે છે?  તેઓ લોકશાહીમાં માને છે કે રાજા શાહીમાં?

ð  અલગાવવાદીઓ જેવા દેશ દ્રોહીઓને સામેથી વાર્તાલાપ માટે આમત્રણ આપતી ભારત સરકાર, કસાબને બિરયાની ખવડાવી સુરક્ષા આપનાર ભારત સરકાર, આંતકવાદના જન્મદાતા પાકીસ્તાન જોડે વાર્તાલાપ કરતી ભારત સરકાર, ચીનની જમીન પચાવી પાડવાની નીતિ સામે મૌન રહી તેની સાથે વ્યાપારી સબંધો વધારનાર ભારત સરકાર, અમેરિકાની ખંધી નીતિથી વાકેફ છતાં તેની ચાપલુસી કરનાર ભારતીય નેતાઓ ભારતના ખેડૂતો પાસેથી ખેડૂતોની માલિકીની જમીન પચાવી પાડવા ખેડૂતો ઉપર જ ગોળીબાર અને લાઠીચાર્જ કરાવે છે.

 

:-:   :-:  લેખક  :-  તેજશ પટેલ. :-:   :-:

જન લોકપાલ બિલ : ભ્રષ્ટાચાર વિરુદ્ધ અણસમજ

ભારતમાં હમણાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અન્નાનું આંદોલન ચાલી રહ્યું છે. અન્નાને તેમાં બહોળા પ્રમાણમાં જન સમર્થન સાંપડી રહ્યું છે. અન્નાને મળેલા સમર્થનને કારણે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ડૂબેલી સરકાર પણ ગભરાઈ ગઈ છે. હજુ બે દિવસ પહેલા જ ઘુરકિયા કરતા મનીષ તિવારી જેવા નેતાઓ છુપાઈ ગયા છે.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ અન્નાના આ આંદોલનથી જનતાને ઘણી અપેક્ષા છે. અને કદાચ એટલે જ અન્નાને આટલા પ્રમાણમાં જન સમર્થન મળી રહ્યું છે. જો જન લોકપાલ બિલ પસાર થાય અને તેને મંજૂરી મળે તો ભ્રષ્ટાચારના પ્રમાણમાં જરૂર ઘટાડો થઇ શકે છે અને જે બહુ સારી વાત છે.

પરંતુ અહીં મુખ્ય સવાલ એ થાય કે શું જન લોકપાલ વિના ભ્રષ્ટાચાર ના ઘટી શકે? જરૂર ઘટી શકે. પરંતુ આજે એ વાત કોઈ વિચારતું નથી. સૌ કોઈને અન્નાના નામનો એફ ચડ્યો છે. અહીં એક વાસ્તવિકતા એ છે કે જન લોકપાલથી ૧૦૦% ભ્રષ્ટાચારની નામુડી થવાની નથી. ટ્રાફિક સિગ્નલ પર લોકો પાસેથી રૂપિયા પડાવતા પોલીસને જન લોકપાલ રોકી શકવાનો નથી કારણ કે અહીં રૂપિયા આપનારે ગુનો કર્યો હોય છે અને તે જાણે છે કે પોલીસને આપવા પડતા રૂપિયા કરતા દંડની રકમ વધુ હોય છે, આથી તે ક્યારેય લોકપાલ સમક્ષ ફરિયાદ કરવાનો નથી. આજ રીતે ગેર કાયદેસર મુસાફરોની હેરાફેર કરતા વાહનચાલકો પાસેથી હપ્તો ઉગરાવતી પોલીસ પર પણ કોઈ કાર્યવાહી નહી થઇ શકે. વાળી જો લોકપાલની નિમણુંક સરકાર કરવાની હોય તો લોકપાલ હંમેશા શાસક પક્ષનો કહ્યાગરો હશે અને શાસક પક્ષ લોકપાલનો ઉપયોગ રાજકીય દાવપેચ માટે કરશે.

વધુમાં પ્રાસ્તાવિક લોક્પાલના કારણે સરકાર પર ખર્ચનો વધુ બોજ પડશે. પરિણામે નવા કરવેરા નાખવા પડશે અને અંતે જન લોકપાલનો બોજ જનતાએ ઉઠાવવો પડશે. વધુમાં આ આંદોલનના કારણે માત્ર  ભ્રષ્ટાચાર જ ઘટાડી શકાશે પરંતુ તેના બદલે જો પોલીસ અને સીબીઆઈ જેવી સંસ્થાઓ પરથી રાજકારણીઓની પકડ ઓછી અરી તેમને સ્વતંત્ર કામ કરતી કરવામાં આવે તો જરૂર ભ્રષ્ટાચાર ઘટી શકે. અને સાથે સાથે અન્ય ગુનાઓની પણ નિષ્પક્ષ તપાસ થાય અને જનતાને ન્યાય મળી રહે.

પોલીસ જનતાની રક્ષા માટે હોય છે પણ ઘણીવાર તેઓ પોતે જ ભક્ષક બની જતા હોય છે, તેમ જો લોકપાલ પોતે જ જો ભ્રષ્ટાચારી બની જાય તો? જો લોકપાલ પોતે જ સરકારનો હાથો બની જાય તો? ત્યારે જનતાએ બીજા અન્ના શોધવા પડશે.

ભારતમાં જાસુસી માટે આજે અનેક જાસુસી સંસ્થાઓ છે પરંતુ આ બધી સંસ્થાઓ દેશ માટે જાસુસી કરવાને બદલે રાજકીય હરીફોની જાસુસી કરવા વપરાય છે. આજ રીતે ભ્રષ્ટાચારની નાબુદી માટે નવી નવી સંસ્થાઓ ખોલવાનો કોઈ મતલબ નથી. હાલ ભ્રષ્ટાચારની તપાસ માટે “ કેગ “ કાર્યરત છે અને સીબીઆઈ તથા પોલીસ ગુનેગારોને સજા આપવા માટે છે. તો લોકપાલ તેનાથી નવું શું કરશે? તે પહેલા વિચારવું પડે. જો લોકપાલની રચના કરવા કરતાં પોલીસ અને સીબીઆઈ/સીઆઇડી વગેરેને રાજકીયપક્ષો થી મુક્ત કરાય તો કોઈ આંદોલનની જરૂર નથી.

પરંતુ ભારતની મોટાભાગની જનતાની માનસિકતા ટોળાશાહીમાં છે. અને ટોળામાં કોઈ પોતાના મગજથી વિચારતું હોતું નથી. બધા જ ઘેટાની માફક ચાલે છે. આંદોલનમાં સામેલ ઘણા લોકોને જન લોકપાલ વિષે કંઈપણ માહિતી નથી. ભ્રષ્ટાચાર વિરદ્ધના આંદોલનમાં જોડાયેલા લોકોમાંથી કેટલા લોકોએ આતંકવાદિયોં વિરુદ્ધનો કાયદો “પોટા” નાબુદ થયો ત્યારે આંદોલન કરેલું? આ આંદોલનમાં સામેલ મોટા ભાગના લોકોએ ક્યાંકને ક્યાંકતો ભ્રષ્ટાચારનો ઉપયોગ કર્યો છે અને ઘણી જગ્યાએ તેઓ ભોગ પણ બન્યા છે. આપણે ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં તો જઈએ છીએ પરંતુજયારે ટ્રાફિક પોલીસ નિયમોના ભંગ બદલ પકડે છે ત્યારે આપણે જ સસ્તામાં પતાવવા તેને લાંચ આપીએ છીએ. નોકરીની જાહેરાત આવતા આપણે જ ઓળખાણો શોધવા લાગીએ છીએ. પરિક્ષામાં ચોરી પણ આપડે જ કરીએ છીએ અને ભ્રષ્ટાચાર તાવની વાત પણ. શું આપણે કયારેય આવું વિચાર્યું છે ખરું કે પછી ટોળાશાહીમાંથી ફુરસદ જ નથી મળતી. આપણી ટોળાશાહીનું સચોટ ઉદાહરણ ચુંટણી સમયે જોવા મળે છે, જયારે આપણે હાલ જેમનો પુરજોશમાં વિરુદ્ધ કરીએ છીએ તેવા નેતાઓને જીતાડીએ છીએ. આપણે જન લોકપાલ વિરુદ્ધ આંદોલન કરીએ છીએ પરંતુ તેનો વિરોધ કરનાર કપિલ સિબ્બલ જેવા નેતાઓ પણ આપણે ચૂંટીએ છીએ.

નરેગા યોજનામાં કામ કર્યા વગર અડધા રૂપિયા મેળવતા મજુરો કે પછી બાકીના અડધા રૂપિયા મેળવતા અધિકારીયોમાંથી કોણ લોકપાલને ફરિયાદ કરવાનું હતું? વાહનો કેરોસીનથી ચલાવવા બ્લેક માં કેરોસીન ખરીદતા વાહનચાલકોની ફરિયાદ કોણ કરવાનું હતું? વારંવાર ધક્કા ખાવા કરતાં એકવાર રુપિયા આપી કામ કરાવતા લોકો કે રુપિયા લઇ બે દિવસનું કામ એક દિવસમાં કામ કરતાં લોકોમાંથી કોણ લોકપાલને ફરિયાદ કરવાનું હતું?  પહેલા આપણે આ બધું વિચારવું જોઈએ અને પછી આંદોલન કરવું જોઈએ.

લેટેસ્ટ માહિતી મુજબ અન્ના હઝારે ને આંદોલન કરવા સરકાર મેદાન તૈયાર કરી આપશે, સિક્યુરિટી આપશે, મેડીકલ સેવા આપશે. અહીં સવાલ એ થાય કે કોણ કોની સામે આંદોલન કરી રહ્યું છે? સરકારને જો જન લોકપાલ સ્વીકારવું ના હોય તો આંદોલન માટે આટલી સગવડો કેમ પૂરી પડવાનો શો મતલબ? જો બિલ સ્વીકારવાનું જ ના હોય તો આંદોલનનો શો મતલબ? અને એ પણ ત્યારે જયારે અન્ના હઝારે સ્પષ્ટ કહે છે કે જ્યાં સુધી જન લોકપાલ બિલ પસાર નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. અને જો સરકારને બિલ આંદોલન બાદ સ્વીકારવું હોય તો પછી અત્યારે સ્વીકારવામાં શું વાંધો છે? આંદોલન કરવા માટે જો તમે જેની સામે આંદોલન કરો છો તેની જ સેવાઓ લો તો તમારા આંદોલન નો શું મતલબ? એ આંદોલન માત્ર પ્રસિદ્ધિ માટેનું જ આંદોલન કહેવાય. અંગ્રેજો સામેના આંદોલનમાં ગાંધીજી એ વિદેશી ચીજ-વસ્તુઓનો બહિષ્કાર કરેલો. અને એટલે જ અન્ના હઝારે “બીજા ગાંધી” નથી જ…!

બાઉન્ડ્રી પાર : ચૂંટણી લડ્યા વગર પણ જ્યાં વડાપ્રધાન બની શકાય છે તેને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કહેવાય છે. અને કહેવાની જરૂર નથી કે એ “આપણો” દેશ છે, અને આપણે તે કોઈને લુંટવા આપ્યો છે…!

લેખક : તેજશ પટેલ.

%d bloggers like this: