Tag Archives: bhrashtachar

જન લોકપાલ બિલ : ભ્રષ્ટાચાર વિરુદ્ધ અણસમજ

ભારતમાં હમણાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અન્નાનું આંદોલન ચાલી રહ્યું છે. અન્નાને તેમાં બહોળા પ્રમાણમાં જન સમર્થન સાંપડી રહ્યું છે. અન્નાને મળેલા સમર્થનને કારણે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ડૂબેલી સરકાર પણ ગભરાઈ ગઈ છે. હજુ બે દિવસ પહેલા જ ઘુરકિયા કરતા મનીષ તિવારી જેવા નેતાઓ છુપાઈ ગયા છે.

ભ્રષ્ટાચાર વિરુદ્ધ અન્નાના આ આંદોલનથી જનતાને ઘણી અપેક્ષા છે. અને કદાચ એટલે જ અન્નાને આટલા પ્રમાણમાં જન સમર્થન મળી રહ્યું છે. જો જન લોકપાલ બિલ પસાર થાય અને તેને મંજૂરી મળે તો ભ્રષ્ટાચારના પ્રમાણમાં જરૂર ઘટાડો થઇ શકે છે અને જે બહુ સારી વાત છે.

પરંતુ અહીં મુખ્ય સવાલ એ થાય કે શું જન લોકપાલ વિના ભ્રષ્ટાચાર ના ઘટી શકે? જરૂર ઘટી શકે. પરંતુ આજે એ વાત કોઈ વિચારતું નથી. સૌ કોઈને અન્નાના નામનો એફ ચડ્યો છે. અહીં એક વાસ્તવિકતા એ છે કે જન લોકપાલથી ૧૦૦% ભ્રષ્ટાચારની નામુડી થવાની નથી. ટ્રાફિક સિગ્નલ પર લોકો પાસેથી રૂપિયા પડાવતા પોલીસને જન લોકપાલ રોકી શકવાનો નથી કારણ કે અહીં રૂપિયા આપનારે ગુનો કર્યો હોય છે અને તે જાણે છે કે પોલીસને આપવા પડતા રૂપિયા કરતા દંડની રકમ વધુ હોય છે, આથી તે ક્યારેય લોકપાલ સમક્ષ ફરિયાદ કરવાનો નથી. આજ રીતે ગેર કાયદેસર મુસાફરોની હેરાફેર કરતા વાહનચાલકો પાસેથી હપ્તો ઉગરાવતી પોલીસ પર પણ કોઈ કાર્યવાહી નહી થઇ શકે. વાળી જો લોકપાલની નિમણુંક સરકાર કરવાની હોય તો લોકપાલ હંમેશા શાસક પક્ષનો કહ્યાગરો હશે અને શાસક પક્ષ લોકપાલનો ઉપયોગ રાજકીય દાવપેચ માટે કરશે.

વધુમાં પ્રાસ્તાવિક લોક્પાલના કારણે સરકાર પર ખર્ચનો વધુ બોજ પડશે. પરિણામે નવા કરવેરા નાખવા પડશે અને અંતે જન લોકપાલનો બોજ જનતાએ ઉઠાવવો પડશે. વધુમાં આ આંદોલનના કારણે માત્ર  ભ્રષ્ટાચાર જ ઘટાડી શકાશે પરંતુ તેના બદલે જો પોલીસ અને સીબીઆઈ જેવી સંસ્થાઓ પરથી રાજકારણીઓની પકડ ઓછી અરી તેમને સ્વતંત્ર કામ કરતી કરવામાં આવે તો જરૂર ભ્રષ્ટાચાર ઘટી શકે. અને સાથે સાથે અન્ય ગુનાઓની પણ નિષ્પક્ષ તપાસ થાય અને જનતાને ન્યાય મળી રહે.

પોલીસ જનતાની રક્ષા માટે હોય છે પણ ઘણીવાર તેઓ પોતે જ ભક્ષક બની જતા હોય છે, તેમ જો લોકપાલ પોતે જ જો ભ્રષ્ટાચારી બની જાય તો? જો લોકપાલ પોતે જ સરકારનો હાથો બની જાય તો? ત્યારે જનતાએ બીજા અન્ના શોધવા પડશે.

ભારતમાં જાસુસી માટે આજે અનેક જાસુસી સંસ્થાઓ છે પરંતુ આ બધી સંસ્થાઓ દેશ માટે જાસુસી કરવાને બદલે રાજકીય હરીફોની જાસુસી કરવા વપરાય છે. આજ રીતે ભ્રષ્ટાચારની નાબુદી માટે નવી નવી સંસ્થાઓ ખોલવાનો કોઈ મતલબ નથી. હાલ ભ્રષ્ટાચારની તપાસ માટે “ કેગ “ કાર્યરત છે અને સીબીઆઈ તથા પોલીસ ગુનેગારોને સજા આપવા માટે છે. તો લોકપાલ તેનાથી નવું શું કરશે? તે પહેલા વિચારવું પડે. જો લોકપાલની રચના કરવા કરતાં પોલીસ અને સીબીઆઈ/સીઆઇડી વગેરેને રાજકીયપક્ષો થી મુક્ત કરાય તો કોઈ આંદોલનની જરૂર નથી.

પરંતુ ભારતની મોટાભાગની જનતાની માનસિકતા ટોળાશાહીમાં છે. અને ટોળામાં કોઈ પોતાના મગજથી વિચારતું હોતું નથી. બધા જ ઘેટાની માફક ચાલે છે. આંદોલનમાં સામેલ ઘણા લોકોને જન લોકપાલ વિષે કંઈપણ માહિતી નથી. ભ્રષ્ટાચાર વિરદ્ધના આંદોલનમાં જોડાયેલા લોકોમાંથી કેટલા લોકોએ આતંકવાદિયોં વિરુદ્ધનો કાયદો “પોટા” નાબુદ થયો ત્યારે આંદોલન કરેલું? આ આંદોલનમાં સામેલ મોટા ભાગના લોકોએ ક્યાંકને ક્યાંકતો ભ્રષ્ટાચારનો ઉપયોગ કર્યો છે અને ઘણી જગ્યાએ તેઓ ભોગ પણ બન્યા છે. આપણે ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં તો જઈએ છીએ પરંતુજયારે ટ્રાફિક પોલીસ નિયમોના ભંગ બદલ પકડે છે ત્યારે આપણે જ સસ્તામાં પતાવવા તેને લાંચ આપીએ છીએ. નોકરીની જાહેરાત આવતા આપણે જ ઓળખાણો શોધવા લાગીએ છીએ. પરિક્ષામાં ચોરી પણ આપડે જ કરીએ છીએ અને ભ્રષ્ટાચાર તાવની વાત પણ. શું આપણે કયારેય આવું વિચાર્યું છે ખરું કે પછી ટોળાશાહીમાંથી ફુરસદ જ નથી મળતી. આપણી ટોળાશાહીનું સચોટ ઉદાહરણ ચુંટણી સમયે જોવા મળે છે, જયારે આપણે હાલ જેમનો પુરજોશમાં વિરુદ્ધ કરીએ છીએ તેવા નેતાઓને જીતાડીએ છીએ. આપણે જન લોકપાલ વિરુદ્ધ આંદોલન કરીએ છીએ પરંતુ તેનો વિરોધ કરનાર કપિલ સિબ્બલ જેવા નેતાઓ પણ આપણે ચૂંટીએ છીએ.

નરેગા યોજનામાં કામ કર્યા વગર અડધા રૂપિયા મેળવતા મજુરો કે પછી બાકીના અડધા રૂપિયા મેળવતા અધિકારીયોમાંથી કોણ લોકપાલને ફરિયાદ કરવાનું હતું? વાહનો કેરોસીનથી ચલાવવા બ્લેક માં કેરોસીન ખરીદતા વાહનચાલકોની ફરિયાદ કોણ કરવાનું હતું? વારંવાર ધક્કા ખાવા કરતાં એકવાર રુપિયા આપી કામ કરાવતા લોકો કે રુપિયા લઇ બે દિવસનું કામ એક દિવસમાં કામ કરતાં લોકોમાંથી કોણ લોકપાલને ફરિયાદ કરવાનું હતું?  પહેલા આપણે આ બધું વિચારવું જોઈએ અને પછી આંદોલન કરવું જોઈએ.

લેટેસ્ટ માહિતી મુજબ અન્ના હઝારે ને આંદોલન કરવા સરકાર મેદાન તૈયાર કરી આપશે, સિક્યુરિટી આપશે, મેડીકલ સેવા આપશે. અહીં સવાલ એ થાય કે કોણ કોની સામે આંદોલન કરી રહ્યું છે? સરકારને જો જન લોકપાલ સ્વીકારવું ના હોય તો આંદોલન માટે આટલી સગવડો કેમ પૂરી પડવાનો શો મતલબ? જો બિલ સ્વીકારવાનું જ ના હોય તો આંદોલનનો શો મતલબ? અને એ પણ ત્યારે જયારે અન્ના હઝારે સ્પષ્ટ કહે છે કે જ્યાં સુધી જન લોકપાલ બિલ પસાર નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. અને જો સરકારને બિલ આંદોલન બાદ સ્વીકારવું હોય તો પછી અત્યારે સ્વીકારવામાં શું વાંધો છે? આંદોલન કરવા માટે જો તમે જેની સામે આંદોલન કરો છો તેની જ સેવાઓ લો તો તમારા આંદોલન નો શું મતલબ? એ આંદોલન માત્ર પ્રસિદ્ધિ માટેનું જ આંદોલન કહેવાય. અંગ્રેજો સામેના આંદોલનમાં ગાંધીજી એ વિદેશી ચીજ-વસ્તુઓનો બહિષ્કાર કરેલો. અને એટલે જ અન્ના હઝારે “બીજા ગાંધી” નથી જ…!

બાઉન્ડ્રી પાર : ચૂંટણી લડ્યા વગર પણ જ્યાં વડાપ્રધાન બની શકાય છે તેને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કહેવાય છે. અને કહેવાની જરૂર નથી કે એ “આપણો” દેશ છે, અને આપણે તે કોઈને લુંટવા આપ્યો છે…!

લેખક : તેજશ પટેલ.